હોલિસ્ટિક સાયન્સ
રિસર્ચ સેન્ટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે યોજાયેલ વિશિષ્ટ સેમિનાર
[તા: ૨૯-૧૦-૨૦૧૩ ના રોજ સુરતની અંધજન શિક્ષણ મંડળ સંસ્થાના વિદ્યાર્થીઓ અને
શિક્ષકોનો એક દિવસીય પરિસંવાદ રિસર્ચ સેન્ટરમાં યોજાયો હતો જેમાં ૧૨૩ બાળકોએ ભાગ
લીધો હતો. આ એક વિશિષ્ટ અનુભવ હતો જે અંગે મંડળના બે શિક્ષિકા બહેનોએ કાર્યક્રમને
અંતે રજૂ કરેલ વાચિક પ્રતિભાવ અત્રે શાબ્દિક રૂપમાં કુ. હેતલ પટેલના સૌજન્યથી પ્રસ્તુત છે.]
(૧) પ્રજ્ઞાચક્ષુ દેવયાનીબહેન આર. ઠાકોર (શિક્ષિકા)
“સૌ પ્રથમ તો આ જે ‘વીતરાગ વિજ્ઞાન
ચેરીટેબલ ટ્રસ્ટ’ સંસ્થા છે, એનો હું, મારા વિદ્યાર્થીઓ, મારા શિક્ષકગણ અને મારા પરિવાર
તરફથી આભાર માનું છું, કારણ કે આપ સૌએ જે ‘નવી જ દ્રષ્ટિ, નવી જ દુનિયા નવલાં ઘડતર જ્ઞાન’ વિષય પર સેમિનારનું આયોજન કર્યું, આપણે એને સામાન્ય
રીતે જોઈએ તો બધાં આવું કરતાં હોય છે, પણ એ બધાં કરે અને તમે
જે કર્યું, એમાં ઘણો ફરક છે. અને એ શું ફરક છે, એ એક નાનકડી વાત દ્વારા રજૂ કરીશ.
સૂરદાસજીનું નામ બધાએ સાંભળ્યું હશે, એ પ્રજ્ઞાચક્ષુ હતા.
એમને ભગવાન શ્રીકૃષ્ણ માટે ખૂબ ભક્તિ હતી. એ રોજ મંદિરે જતા હતા ને શ્રીકૃષ્ણના
રૂપનું વર્ણન કરતા હતા. તો એમના મંદિરના પુજારીને થયું કે આને તો દેખાતું નથી ને
કોઈ ચોક્કસ આને કહી દે છે, કે પીળાં પીતાંબર પહેર્યાં છે. નહિ
તો એ કઈ રીતે કહેતા હશે? તો એક દિવસ એવો બંદોબસ્ત કર્યો કે
સૂરદાસજીને મંદિરે એકલા લાવવામાં આવ્યા અને પછી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને
નિર્વસ્ત્ર રાખી. ત્યારે સૂરદાસજીએ કહ્યું, કે ‘તમે દિગંબર અવસ્થામાં મને ખૂબ સુંદર લાગો છો !’
ત્યારે પુજારીએ કહ્યું, કે ‘તમને કેવી
રીતે ખબર પડી ?’ ત્યારે એમણે કહ્યું કે મારી જે ભક્તિ અને
અંદર જે શક્તિ છે, જેના વિકાસથી, સમજથી
હું આવું વર્ણન કરી શકું છું. તે આ લોકોએ એટલે કે શૈલેષાનંદજી, બિહારીઆનંદજી, કાંતિઆનંદજીએ આજે આપણને સદ્રષ્ટાંત
તો નહીં, પણ હું તો કહું કે એક પ્રયોગની દ્રષ્ટિએ સમજાવ્યું
અને બતાવ્યું.
બિહારીઆનંદજીએ આપણને ખૂબ જ સરસ રીતે
સમજાવ્યું,
કે આપણે માણસ છીએ, માનવ છીએ. એ બધાને જ ખબર છે, પણ આપણી અંદર શક્તિ છે અને આપણે આટલા શક્તિમાન છીએ - એનો અનુભવ તો કદાચ
આપણને અહીંયા આવીને જ થયો. શૈલેષાનંદજીની અંદર મેં સૌથી સારી વસ્તુ એ માર્ક કરી
અને તેના માટે હું એમને પ્રણામ કરું છું, કે જેટલું આપણને
આપી શકે એટલા ઓછા સમયમાં અને જ્ઞાનાત્મક એટલું બધું આપ્યું ! છેલ્લે સમય ઓછો હતો, તો પણ કોઈ પણ વસ્તુને છોડયા વિના આપણને સંપૂર્ણ આપી દીધું. કોઈ ધર્મ નહીં, કોઈ દબાણ નહીં, પણ વિજ્ઞાનથી … જ્ઞાન અને જ્ઞાનથી
બ્રહ્માંડ અને બ્રહ્માંડથી ભક્તિ અને પશ્ર્ચાતાપથી પારસમણિ સુધી પહોંચાડી દીધા એવું
લાગ્યું. કાંતિઆનંદજીએ પણ ખૂબ જ સરસ રીતે આપણને સમજાવ્યું. બાળકોને એ લોકોની
કક્ષામાં રહીને આજે જે સમજાવ્યું અને જે શક્તિ સ્ફૂરી છે,
અમારા બાળકો માટે એ ઘણી જ સારી વાત છે, કારણ કે શક્તિ તો
બાળકોમાં હતી જ, એ શક્તિ તો બધાયનામાં જ છે, મારામાં પણ છે. પરંતુ શક્તિ હોવી એ કરતાં પણ શક્તિને બહાર લાવવી અને
પ્રકાશિત કરવી એ બહુ મોટી વાત છે ! જે વ્યક્તિને આ વિચાર આવ્યો હશે, એને મારા તરફથી કોટિ કોટિ પ્રણામ છે. આ લોકો સવારથી સાંજ સુધી ભોજન, ચ્હા કે પ્રવચન હોય કે મને અહીં લાવીને માઇક આપવા સુધી– એમના મુખ પર જે
શક્તિ છલકાતી હતી, એ મને દેખાતી હતી. એમાં સંતોષ, આનંદ, પ્રેમ અને કંઈક સારું વહેંચવાની અને પીરસવાની
ભાવના હતી, એ જ વસ્તુ આજે મને ખૂબ ગમી છે. એટલે વારંવાર હું
અહિયાં આવતી રહીશ અને એમને મળતી પણ રહીશ. અમારી શાળામાં અમે તમને બોલાવીએ એવી રાહ
ના જોતાં, કારણ કે એ આપની શાળા છે. જે સત્કર્મ કરવા માટેની
ભૂમિ હોય ને, એની માલિકી કોઈની હોતી નથી. એટલે અમારી શાળામાં
આપ સૌને અમારા શિક્ષક પરિવાર તરફથી, અમારા અંધજન શિક્ષણ મંડળ, અમારા મુરબ્બી ટ્રસ્ટીઓ તરફથી, અમારા બાળકો તરફથી
તમને અમારી વારંવાર વિનંતી છે કે તમારો સમય આપજો. કારણ કે તમારા સમયમાં એવી કોઈ ભાવના
કે કોઈ ભાવનામાં ભેળસેળ નથી, પરંતુ શક્તિનો વિકાસ છે. અને
આજના યુગમાં ધર્મની કે પછી પ્રચારની જરૂર નથી. શક્તિ જે આપણામાં સુષુપ્ત રહેલી છે, એને જ બહાર કાઢવાની જરૂર છે. આજે હિન્દુસ્તાનને જો આવી વ્યક્તિઓ મળતી રહેશે, તો મારે એવું કહેવું છે કે આપણી ભારતીય શક્તિ વિશ્વની ટોચે જઈને પોકારશે.
અમારા તરફથી કે અમારા બાળકો તરફથી આપણે જો કોઈ ક્ષતિ પહોંચી હોય તો તેના માટે
ક્ષમા ... વારંવાર તમને હું ‘થેન્ક યુ’
કહું છું અને અભિનંદન આપું છું, કે લોકો પ્રતિષ્ઠા માટે બધું
જ કરે છે, પણ ભાવના, પ્રેમ અને શક્તિના
વિકાસ માટે આજના યુગમાં કોઈ કંઈ કરતું જ નથી, જે આ લોકો
પાસેથી મળ્યું એ વંદનીય છે. એના માટે ફરીથી તમે અમારી શાળામાં આવજો અને અમે અમારા
બાળકોને આ રીતે મુલાકાત કરાવતાં રહીશું ને તમારો લાભ અમને આપો, એવી તમને વિનંતી છે.”
(૨)
શિલ્પાબેન નારણભાઇ પટેલ (શિક્ષિકા)
“વીતરાગ વિજ્ઞાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે
કાર્યક્રમનું આયોજન થયું, એની અંદર અમારા બાળકોને પૂરા કાર્યક્રમનો ફળ રૂપે એક goal (ધ્યેય) કહી શકાય કે
પોતાના જીવનમાં બાહ્ય પરિસ્થિતિ ગમે તે આવે, ગમે એવા સંજોગો
આવે છતાં પણ તમારા અંતર આત્માની અંદર જો સારું કરવાની ભાવના હોય, કંઈક કોઈના માટે સારું કરવું હોય, પોતાના માટે
સારું કરવું હોય તો તેના માટે શું શું કરવું જોઈએ – એ વિષેનું ખૂબ સુંદર, સરળ ભાષામાં એમની વયમર્યાદાને ધ્યાનમાં રાખીને ખૂબ સરસ રીતે સમજાવ્યું તે
બદલ આ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.”